શુક્રવાર, 26 માર્ચ, 2021

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ? 


- ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકારનું સામર્થ્ય હોવું જરૂરી છે. સ્વામી રામદાસજીના મતે ગુરુ એ આધ્યાત્મિક ભોમિયો છે 

વાસ્તવિક જીવનમાં જેમ આપણે અગણિત સાંસારિક સમસ્યાઓનો સામનો કરીએ છીએ, એ જ રીતે આધ્યાત્મિક જીવન જીવનાર સમક્ષ પણ પારાવાર સમસ્યાઓ આવતી હોય છે. આપણા વ્યાવહારિક જીવનની સંકુલતાને કારણે અનેક મડાગાંઠ ઉભી થતી હોય છે, તો એવી જ રીતે અધ્યાત્મકજીવન પણ અજ્ઞાાત અને ગહન હોવાથી પણ કેટલીક મૂંઝવણો સર્જાતી હોય છે. જેમ જીવનમાં સર્જાયેલી કૂટ સમસ્યાઓ અંગે કોઈ વૃદ્ધ પાસે, કોઈ અનુભવી પાસે, કુટુંબના મોવડી પાસે કે પછી કોઈ સંત પાસે વ્યક્તિ જતી હોય છે, એ જ રીતે કોઈ અધ્યાત્મના માર્ગે વિશેષ ગતિ કરનાર પાસેથી નિરાકરણ પામવા કોશિશ કરે છે, તો કોઈ આ માર્ગના અનુભવીને મળવા જાય છે, તો કોઈ માર્ગપથપ્રદર્શક ગુરુ કે સંત પાસે જાય છે. જેમ જીવનના પ્રશ્નો માનવીના મન પર સવાર થઇ જાય છે, એ જ રીતે અધ્યાત્મ જગતમાં ઊઠેલો સવાલ પણ સાધકના ચિત્ત પર સતત ઘૂમતો રહે છે. જીવનમાં જેમ એક પ્રકારની બેચેનીનો અનુભવ થાય, તે જ રીતે અધ્યાત્મમાં પણ આવી એકધારી અકળામણનો અનુભવ થતો હોય છે. આવે સમયે અધ્યાત્મની દુનિયાના કેટલાક કૂટ પ્રશ્નો વિશે અધ્યાત્મપુરુષોની વિચારધારાને પામવાનો પ્રયાસ કરીએ અને અધ્યાત્મના પ્રત્યેક માર્ગદર્શકે કહેલી કેટલીક વિલક્ષણ બાબતો વિશે ચિંતન કરીએ.

અધ્યાત્મના ક્ષેત્રે આપણો પહેલો મૂકામ છે સાચા ગુરુની ખોજ. આ ગુરુ કે સદ્ગુરુની ખોજ માટે વ્યક્તિ જીવનભર મથામણ કરતી રહે છે. એ કોઈ માર્ગદર્શકને ચાહે છે અને એની પાસેથી માર્ગ પામીને એ પોતાનું જીવન એ મુજબ ઢાળવાનો પ્રયાસ કરે છે. સમય જતાં એનું સઘળું ગુરુને સમર્પિત કરે છે. જીવનનાં મિત્રો બદલાતા રહે. અભ્યાસકાળમાં જુદા જુદા શિક્ષકો ભણાવવા આવે. સહાધ્યાયીઓ બદલાતા જાય. આપણી આસપાસની દુનિયા બદલાતી રહે, આમ સઘળું બદલાતું હોય છે. પરિવર્તન પામતું હોય છે. કેટલીક વ્યક્તિઓ ગુરુને પણ બદલતી હોય છે. પ્રારંભમાં એમને એક ગુરુનું આકર્ષણ હોય, પણ પછી બીજા કોઈ ગુરુનો પ્રભાવ વધતા એના તરફ દોડી જતા હોય છે. આમાં આંતરિક પ્રગતિની સાધકની આકાંક્ષા હોતી નથી, પરંતુ ગુરુના પ્રભાવ હેઠળ આવીને એ એવો સાધકસ્વભાવ ખોઈ બેસે છે.

એક સમયે આપણે ત્યાં આચાર્ય રજનીશજી તરફ દોટ મૂકનારા કેટલા બધા માણસો હતા. આમાં સમય જતાં એવું પણ બને છે કે શિષ્યો ગુરુ પાસેથી જ્ઞાાન કે ઉપદેશ લેવાને બદલે એમના પ્રભાવના પ્રકાશમાં મહાલવાની મજા માણતા રહે છે. આપણો સમાજ પણ એવો છે કે 'જેને ગુરુ કરવા બહુ ગમે છે.' એને દોડી દોડીને ક્યાંકને ક્યાંક કોઇકની કંઠી બાંધવી અતિ પસંદ છે અને પછી એ ગુરુ ઢોંગી કે કામી હોય તેવું જાણવા મળતાં જ તે એમના પ્રત્યેની શ્રદ્ધાને રાતોરાત બદલી નાખે છે. આપણા દેશમાં તો આવા ઘણા બનાવો બનતા હોય છે, જે આપણે સારી પેઠે જાણીએ છીએ. આવે સમયે પૂર્ણબ્રહ્મનારાયણ એવા શ્રી આનંદમયીમા તો કહે છે કે ગુરુ સાધકની શોધમાંથી સાંપડતા નથી. હકીકતમાં સાધક પોતાના હૃદયના એક અભાવની પૂર્તિ માટે પ્રયત્નશીલ હો યછે. એના હૃદયમાં એક એવી ઉત્કંઠા જાગ્રત થાય કે મને ક્યારે ગુરુપ્રાપ્તિ થશે ? આવી વ્યાકુળતા જ્યારે જાગે અને આવા અભાવનો અહેસાસ થાય ત્યારે માનવું કે હવે ગુરુ મળવામાં ઝાઝો વિલંબ થશે નહીં.

પરંતુ આ ગુરુ છે ક્યાં ? આપણું હૃદય એવું જ કલુષિત રહે, મનના ભાવો એવા જ વિકારી રહે. જીવનની અંધ આસક્તિઓ એમને એમ મનમાં પડી રહે અને પછી આપણે બહાર કોઇને ગુરુ બનાવીને એની આજ્ઞાામાં રહેવાનો દેખાવ કરતા હોઈએ, તો એના જેવો બીજો કોઈ દંભ કે આડંબર નથી. વળી માત્ર બહાર જ ગુરુ હોય છે તેવું નથી. શ્રી મા આનંદમયીના કહેવા પ્રમાણે તો આપણી ભીતરમાં પણ ગુરુ વસેલો છે. અને એ હકીકત છે કે ઘણીવાર બાહ્ય ગુરુની આરાધનામાં આપણે ભીતરના ગુરુની અવગણના કરીએ છીએ.

જ્યારે મા આનંદમયી તો કહે છે કે 'અંદર, બહાર ગુરુ એક જ છે અંતરના જન્મજન્માંતરના અજ્ઞાાનરૂપી અંધકારને ગુરુ હટાવે છે. ભગવાન અંતર્યામી ગુરુરૂપથી અંધકારનો નાશ કરે છે, તો શું ગુરુ અંદર નથી ? તમે તો શાસ્ત્ર ભણો છો, ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને ભગવાને પરિક્ષિતની રક્ષા કેવી રીતે કરી ? આનાથી સમજવું જોઇએ કે તેઓ અંદર છે. તેઓ અંદર પણ છે અને બહાર પણ...'

આમ ભગવાન જ ગુરુ રૂપે આવીને સાધકને મુક્ત કરે છે. આને માટે શિષ્યમાં સાચા અર્થમાં વ્યાકુળતા હોવી જોઇએ. વ્યક્તિને 'ભગવત્ દ્રષ્ટિ' પ્રાપ્ત થાય છે, તો પછી અજ્ઞાાનનો અંધકાર ઓગળી જાય છે અને આ રીતે એક માત્ર ગુરુદેવ જ શિષ્યના અંધકારને દૂર કરી શકે છે અને એને બંધનમુક્ત બનાવી શકે છે. એ સાચું છે કે સાચા તત્ત્વજ્ઞા શિષ્યની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ હોય છે.

રામભક્ત સ્વામી રામદાસ ગુરુ વિશે એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે અને એમનો એ વિચાર આપણે માટે વિશેષ મહત્ત્વનો બની રહે છે કે ૧૮૮૪ની દસમી એપ્રિલે અર્થાત્ ચૈત્ર સુદ પૂનમને હનુમાનજયંતિના શુભ દિને આપરમ રામભક્તનો જન્મ થયો હતો. વળી એમના જીવનમાં બીજી ઘટના એ બની કે તેઓ સ્કૂલમાં હતા, ત્યારે ભજવાયેલા છત્રપતિ શિવાજી નાટકમાં એમણે સમર્થ સ્વામી રામદાસની ભૂમિકા કરી હતી. એક ત્રીજો વિરલ યોગ પણ એમના જીવનમાં જોવા મળ્યો છે કે એમણે એક કાયમી આનંદઆશ્રમ સ્થાપ્યો હતો. આ આનંદઆશ્રમનું સ્થાન પણ મોટા સંકેતરૂપ છે. એમ કહે છે કે જ્યારે સંજીવની ઔષધિ લેવા માટે દ્રોણગિરિ ઉપાડીને રામભક્ત હનુમાનજી લંકા તરફ જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેઓ થોડો સમય વિશ્રામ કરવા રોકાયા હતા અને એ વિશ્રામસ્થળે દ્રોણગિરિ પર્વતનો ેએક ટુકડો રહી ગયો હતો. જે એક સમયે મંજપટ્ટી ટેકરી તરીકે ઓળખાતો હતો. આજે અહીં એ રામનગરમાં રામભક્ત સ્વામી રામદાસનો આશ્રમ જોવા મળે છે.

તેઓ કોઇને વિધિવત્ દીક્ષા આપતા નહોતા. એમણે સ્વયં પણ કોઈ ગુરુ પાસેથી દિક્ષા લીધી નહોતી, આમ છતાં સંન્યાસી થવાની યોગ્યતા ધરાવનારને જો સંન્યાસ લેવાની ભાવના જાગે, તો તેઓ તે માટેની સંમતિ આપતા હતા. તેમજ સંન્યાસી તરીકેનું નામ અને ગેરુઆ વસ્ત્રો આપતાં હતાં. આમ એમણે સ્વયં સંન્યાસ લીધો 

નથી અને રામનામન જપ દ્વારા જીવન વ્યતિત કર્યું હતું. તથા સંપૂર્ણ જાત ઇશ્વરને સોંપી દીધી હતી. તેઓનો ગુરુતત્ત્વ વિશેનો વિચાર જાણવા યોગ્ય છે. 'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે દૂર કરનાર. ગુરુ એ જીવનનો અંધકાર દૂર કરીને પ્રકાશ આપનારો છે. એ સાધકને જાગ્રત કરે છે અને જીવનમાં કપરા પ્રસંગોએ એને બચાવે છે પણ ખરો.

રામભક્ત સ્વામી રામદાસ તો પહેલી વાત તો ગુરુ કેવો હોવો જોઇએ એ કરે છે.

તેઓ કહે છે કે 'અજ્ઞાાન દશામાં તમે ઇશ્વર વિશે કાંઈ પણ જાણતા હોતા નથી એટલે તમારું હૃદય અંધકારથી ભરેલું છે. આ સ્થિતિમાં તમે ઇશ્વરને માનતા નથી. તેમના વિશે તમને જિજ્ઞાાસા પણ રહેતી નથી. પરંતુ ગુરુ તમારામાં ઈશ્વર વિશેની શ્રધ્ધા જગાડે છે અને તમે એક દિવસ ઇશ્વરને મેળવી શકો. તે માટે તમારા માર્ગદર્શક બને છે. આ રીતે તમારામાં ઈશ્વરની અનુભૂતિ જગાડી તમને તેની પાસે લઇ જવા એ ગુરુનું કામ છે.'

ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકારનું સામર્થ્ય હોવું જરૂરી છે. સ્વામી રામદાસજીના મતે ગુરુ એ આધ્યાત્મિક ભોમિયો છે અને એ ભોમિયા પાસે સાચા રસ્તાની સઘળી માહિતી હોવી જોઇએ. આને માટેની એમની શરત ઘણી આકરી છે એ એ છે કે ગુરુ એવો હોવો જોઇએ કે જેને સ્વયં ઇશ્વર સાક્ષાત્કાર થયો હોય. જો એ સાચો ભોમિયો ન હોય તો તમે ભૂલા પડશો. આપણી આસપાસના નૈસર્ગિક જગત વિશે તથા કલા અને વિજ્ઞાાનના વિષયો વિશે તમારે જેમ શિક્ષકની જરૂર પડે છે. જેમ શિક્ષક એના વિષયમાં પારંગત હોય, તે જ રીતે આ આધ્યાત્મિક જગતનો ભોમિયો પણ પારંગત હોવો જોઇએ. અને જો એ ભોમિયો એમાં પારંગત હોય તો સાધકે એની જાતને નિ:સંકોચ સોંપી દેવી જોઇએ.

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર 




રવિવાર, 14 માર્ચ, 2021

સંત પીપજી જે કબીરસાહેબ ના ગુરુ ભાઈ હતા.

 



‼️રામાનંદ ની ફોજમાં સન્મુખ લડે કબીર‼️
‼️એમની ફોજના મહાન સંત પીપાજી મહારાજ‼️

રામાનંદ પરંપરાના મહાન સંત પીપજી જે કબીરસાહેબ ના ગુરુ ભાઈ હતા જેમણે રામાનંદ ફોજના એક અણમોલ રતન ભક્ત પીપજી...
આ વાક્ય જરૂર સાંભળ્યું હશે કે
- ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે. તે સર્વત્ર વ્યાપ્ત છે. માનવ મન જ બધી સિદ્ધિઓ અને સુખ-શાંતિનો મૂળ આધાર છે. ઈશ્વર કે પરબ્રહ્મની ઓળખ મનની અનુભૂતિથી થાય છે,
ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ
ભારતના સંત આકાશમાં ભક્તરાજ પીપાજી એક તેજસ્વી તારલાની જેમ ચમકે છે. તે ભગવાનના સિદ્ધ ભક્ત હતા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૩૮૦માં રાજસ્થાનમાં કોટાથી ૪૫ માઈલપૂર્વમાં ગાગરોન ગઢમાં થયો હતો. તે ચૌહાન ગોત્રના ખીંચી વંશ શાખાના પ્રતાપી, પરાક્રમી, પુણ્યકર્મી, પરોપકારી રાજા હતા. ઐતિહાસિક સંશોધનોના સંદર્ભોને આધારે એવું માનવામાં આવે છે કે ભક્તવર પીપાજી, પીપાનંદાચાર્યજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ, બુધવાર વિક્રમ સંવત ૧૩૮૦, તારીખ ૨૩-૪-૧૩૨૩ના રોજ થયો હતો. એક મત એવો પણ છે કે તેમનો જન્મ વિક્રમ સંવત ૧૪૧૭માં ચૈત્ર સુદ પૂનમે થયો હતો. દેવકૃપાથી એમના રાજ્યમાં દુકાળ કે મહામારીનો કોઈ પ્રકોપ ક્યારેય થવા પામ્યો ન હોતો.
રાજગાદીનો ત્યાગ કર્યા પછી રાજા પીપાજી સંત રામાનંદજીના શિષ્ય બન્યા. રામાનંદજીના અનંતાનંદ, કબીર, રૈદાસ વગેરે બાર શિષ્યોમાં પીપાજી પણ એક હતા. સંત પીપાજી દેશના મહાન સમાજ સુધારકોની શ્રેણીમાં આવે છે. તેમણે રાજસ્થાનમાં ભક્તિ અને સમાજ સુધારણાની અલખ જગાવી હતી. નિર્ગુણ વિચારધારાના આ સંત કવિએ ભારતમાં પરાપૂર્વથી ચાલી આવતી ચતુર્વણ વ્યવસ્થામાં નવીન 'શ્રમિક વર્ગ'નું સર્જન કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
એમના દ્વારા રચાયેલ આ શ્રમિક વર્ગ એવો હતો જે મુખેથી ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા રહી હાથથી પરિશ્રમ કરતો રહેતો હતો. સમાજ સુધારની દૃષ્ટિએ સંત પીપાજીએ બાહ્ય આડંબરો, કર્મકાંડો અને રૂઢિઓનો ભારે વિરોધ કર્યો અને જણાવ્યું કે ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે. તે સર્વત્ર વ્યાપ્ત છે. માનવ મન જ બધી સિદ્ધિઓ અને સુખ-શાંતિનો મૂળ આધાર છે. ઈશ્વર કે પરબ્રહ્મની ઓળખ મનની અનુભૂતિથી થાય છે.
ભક્તરાજ પીપાજીનું બાળપણનું નામ રાજકુમાર પ્રતાપસિંહ હતું. લક્ષ્મીવતી એમની માતાનું નામ હતું. દરજી સમુદાયના લોકો સંત પીપાજીને પોતાના આરાધ્ય દેવ માને છે. બાડમેર જીલ્લાના સમદડી કસબામાં સંત પીપાજીનું એક વિશાળ મંદિર બનાવાયેલું છે જ્યાં દર વર્ષે વિશાળ મેળો લાગે છે.
Dasi Jivan Saheb
એ ઉપરાંત ગાગરોન (ઝાલાવાડ) અને મસુહિયાર (જોધપુર)માં પણ એમના સ્મરણમાં ઉત્સવ અને મેળો યોજાય છે. ગુરુ નાનકદેવજીએ એમની રચના એમના પૌત્ર અનંતદાસ પાસેથી ટોડા નગરમાં પ્રાપ્ત કરી હતી.અનંતદાસ દ્વારા લખાયેલ 'પચ્ચઈ'ના પચ્ચીસમા પ્રસંગમાં આ વાતનો ઉલ્લેખ છે. થોડા વખત બાદ આ રચનાને ગુરુ અર્જુનદેવજીએ 'ગુરુ ગ્રંથ સાહિબ'માં સમાવી લીધી હતી.
સંત પીપાજી એટલે કે પીપાનંદાચાર્યજીનું જીવન અનેક ચમત્કારોથી ભરેલું છે. એ રાજા હતા તે વખતે તેમની વિનંતીથી એમના ગુરુ સંતવર્ય રામાનંદજી કબીર, રૈદાસ વગેરે ચાલીસ શિષ્યો સાથે ગાગરોનગઢ આવ્યા હતા. ત્યાં થોડો વખત રહ્યા પછી ગુરુ રામાનંદજી દ્વારિકા ગયા. પીપાજી અને તેમની બાર રાણીઓ પણ દ્વારિકા જવા તૈયાર થયા. પણ માત્ર રાણી સીતા સહચરી જ સાથે જઈ શકી. પીપાજી તેને પણ સાથે લઈ જવા માંગતા નહોતા પણ ગુરુની આજ્ઞાા થવાથી તેને સાથે લઈ ગયા હતા. રામાનંદજી દ્વારિકાથી કાશી પાછા ફર્યા પણ ગુરુ આજ્ઞાાથી પીપાજીને સીતા સહચરી સાથે દ્વારિકામાં જ રહી જવું પડયું. તે દરરોજ દ્વારકેશ પ્રભુના દર્શન કરતા.
એક દિવસ ભક્તરાજ પીપાજીને હૃદયમાં તીવ્ર ઈચ્છા ઉદ્ભવી કે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકિમણીના પ્રત્યક્ષ દર્શન કરવા. ભક્તિના આવેશમાં પીપાજી અને એમની પત્ની સીતા સહચરીએ ભગવાનનો સાક્ષાત્કાર કરવા સમુદ્રમાં ઝંપલાવી દીધું. દ્વારિકામાં હાહાકાર મચી ગયો. તે બન્ને સાત દિવસ સમુદ્રમાં જ રહ્યા. લોકો સમુદ્ર કિનારે બેસી રહ્યા. સાત દિવસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પટરાણી રુકિમણીજીના દર્શન કરી તે કૃતાર્થ બની બહાર આવ્યા.
Babaria Hasmukh
વિસ્મય ઉપજાવે એવી અદ્ભુત બાબત એ હતી કે એ સમુદ્રમાંથી બહાર આવ્યા હતા તેમ છતાં તેમના વસ્ત્ર જરાય પલળેલા નહોતાં. તે ભગવાન પાસેથી એક છાપ પણ લેતા આવ્યા હતા. તેમણે તે મંદિરના પૂજારીને આપી દીધી હતી અને કહ્યું હતું - 'જે આ છાપનો સ્પર્શ કરશે તે ભવસાગરની પાર ઉતરી જશે!'
એકવાર પીપાજી ટોડા ગામના તળાવમાં સ્નાન કરતા હતા ત્યારે તેના કિનારે થોડી સોનામહોરો જોઈ. તેમણે તે લીધી નહીં. પાછા ફરીને તેમની પત્નીને આ વિશે વાત કરી. કેટલાક ચોરોએ એમની આ વાત સાંભળી લીધી. તે સરોવરના કિનારે ગયા તો તેમને ત્યાં સોનામહોરો નહીં પણ સાપ અને વીંછી દેખાયા. તેમણે ગુસ્સે ભરાઈ એક પાત્રમાં તે ભરી લીધા અને પીપાજીના ઘર પાસે આવી તે પાત્ર તેમના ઘરમાં ફેંક્યું. તેમાંથી સાપ-વીંછી નહીં, સોનામહોરો નીકળી! ભક્તરાજ પીપાજીએ તેનો સાધુ-સંતોની સેવા માટે ઉપયોગ કર્યો.
પીપાવાવમાંથી ભગવાન રણછોડરાયજીની મૂર્તિઓને કાઢવી, સિંહને અહિંસાનો ઉપદેશ આપવો, મૃત તેલીને જીવતો કરવો, લાકડીઓને લીલા વાંસ રૂપે બદલી કાઢવી, એક જ સમયે પાંચ જુદા જુદા સ્થળે ઉપસ્થિત રહેવું એવા અનેક ચમત્કારો એમના થકી થયા હતા. સંત કવિ પીપાજીના અનેક પદો, દોહા સિખોના ગુરુગ્રંથ સાહિબમાં જોવા મળે છે. તે ઉપરાંત ૨૭ પદ, ૧૫૪ સાખિયો તથા અન્ય ગ્રંથ પ્રસિદ્ધ છેં
✍️હસમુખ મનુભાઈ બાબરીયા.
@hasmukh babaria
09-માર્ચ-2021

સંત કબીરની અમૃતવાણી




 

સંત કબીરની અમૃતવાણી

સંસ્કૃત ભાષામાં સુભાષિત હોય છે. આ સુભાષિતના માધ્યમથી જે કંઈ વ્યક્ત થાય છે તે અર્થપૂર્ણ અને અનુભવસિદ્ધ હોય છે. આવી એક પંકિત છે -
જે અર્થપૂર્ણ અને સમજવામાં ખૂબ સરળ છે.
‼️સાધુવો નહિ સર્વત્ર, ચંદનું ન વને વને - ‼️
અર્થાત્ આવા સપુરુષ ખરેજ દુર્લભ છે !
વિશ્વમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના માણસો જોવા મળે છે. સામાન્ય માણસો , સંસ્કારી સજ્જનો અને સંત પ્રકૃતિના સંત પ્રકૃતિના વ્યકિતઓ સ્વભાવે ખૂબ સરળ અને પ્રભુ પરાયણ જીવન જીવતા હોય છે-
જે સૌનું ભલુજ ઇછનારા હોય છે. સાચો માણસ, કદાચ એમની સાથે સારું વર્તન નહીં કરે તો પણ આ સંતપ્રકૃતિના માણસો સામા માણસ સાથે સારું વર્તન નહીં કરે તો પણ આ સંતપ્રકૃતિના માણસો સામા માણસ સાથે સારું વર્તન જ કરશે. કારણકે એ સ્વભાવે અજીત અને સંત છે.
ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ
યાદ રહે કે સંતો સદાય સરળ હોય છે. મહાવીર પ્રભુ, ભગવાન બુદ્ધ, ઇસુ યા મહંમદ સાહેબ સદાય શાંત રીતે જે તે વ્યકિત સાથે વર્તન કરતા. આવા સંતો ભલે સમાજમાં ઓછા હોય, પણ આવા સંતો દુર્લભ હોય છે. ઉપરોક્ત શ્લોકની પંકિતમાં કહ્યું છે કે
‼️બધા જંગલોમાં ચંદનના વૃક્ષો હોતાં નથી‼️
તેવી રીતે સાધુ સંતો પણ ખૂબ ઓછા હોય છે.
રામ, કૃષ્ણ, મહાવીર, ભગવાન બુદ્ધ, ઇસુ, મહાત્મા ગાંધી વગેરે જે યુગપુરુષો મળવા દુર્લભ છે.સાચાં કીમતી મોતી ખૂબ ઓછાં જ હોય, છાશ અને માખણ બન્નેમાં માખણ ખૂબ ઓછું હોય છે.પણ એનું મૂલ્ય અનેકઘણું હોય છો. આજે વતી આ નવનીતછે.-અમૃત છે.
આજે સંતજ્ઞાની કબીરની થોડીવાત કરવી છે.કબીર વણકર જ્ઞાતિના હતા અને કાપડ વણતા. છતાં તેઓ જ્ઞાની હતા અને પ્રભુ પરાયણ જીવન જીવતા.કબીર વણકર હોઈ દૃષ્ટાંત પણ વણાતી ચાદરનું દ્રષ્ટાંત આપે છે.

‼️ઝીની ઝીની બીની ચદરિયા’ ‼️
‼️ચાદર ઓઢકે શંકા મત કારીઓ‼️
‼️દો દિન ઓઢણકો દીની,‼️
‼️મૂરખ લોગ ભેદ ન જાણ્યો,‼️
‼️મેલી મેલી કર દીની‼️
‼️દાસ, કબીર જતન સે ઓટી, ‼️
‼️જ્યો કિલ્યો ઘરદીની ચદરિયા.' ‼️

વણકરતો ચાદર સુંદર વણી છે- ચાદરબારીક પણ છે.
આ ચાદરદેવ-દાનવ માનવ અને મુનિ બધાએ ઓઢીને મેલી કરી નાખી છે. આનો ખરો અર્થ હવે સમજાય છે યાદ રહે કે ચાદર સ્વયં જીવન છે. એને ઓઢનાર અજ્ઞાની વ્યકિત તેનું મૂલ્ય સમજતા નથી. તેથી જીવન કલુષિત કરી નાખે છે. શ્વાસ અને ઉચ્છવાસના તાણાવાણાથી આચાદર વણાય છે.
પ્રભુએ ખરેખર મનુષ્યને શુધ્ધ જીવન આપ્યુલુ છે.
Dasi Jivan Saheb
કહેવાનો ભાવ એવો છે કે જેવું શુધ્ધ પ્રભુએ આપણને આપ્યું છે તેવુંજ શુધ્ધ જીવન જીવી જાણીએ. અને અંતે સમગ્ર જીવન તેના ચરણોમાં સમર્પિત કરી દઈએ .
Babaria Hasmukh
આવું આધ્યાત્મિક રહસ્યથી ભરેલું અર્થસભર કલ્યાણકારક જીવનનું મૂલ્ય ખરેખર દુર્લભ છે જ- જે સમજે તેને માટે કબીર વાણી તો અમૃતવાણી છે. આ વાણીને આત્મસાત કરનારનું જીવન ધન્ય બની જાય છે. કબીર જેવા ઘણા સંતો આ માર્ગે યાત્રા કરીને પરમની અનુભૂતિ કરી ચૂક્યા છે.
✍️હસમુખ મનુભાઈ બાબરીયા.
13-03-2021
06:51pm

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...