ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?
- ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકારનું સામર્થ્ય હોવું જરૂરી છે. સ્વામી રામદાસજીના મતે ગુરુ એ આધ્યાત્મિક ભોમિયો છે
વાસ્તવિક જીવનમાં જેમ આપણે અગણિત સાંસારિક સમસ્યાઓનો સામનો કરીએ છીએ, એ જ રીતે આધ્યાત્મિક જીવન જીવનાર સમક્ષ પણ પારાવાર સમસ્યાઓ આવતી હોય છે. આપણા વ્યાવહારિક જીવનની સંકુલતાને કારણે અનેક મડાગાંઠ ઉભી થતી હોય છે, તો એવી જ રીતે અધ્યાત્મકજીવન પણ અજ્ઞાાત અને ગહન હોવાથી પણ કેટલીક મૂંઝવણો સર્જાતી હોય છે. જેમ જીવનમાં સર્જાયેલી કૂટ સમસ્યાઓ અંગે કોઈ વૃદ્ધ પાસે, કોઈ અનુભવી પાસે, કુટુંબના મોવડી પાસે કે પછી કોઈ સંત પાસે વ્યક્તિ જતી હોય છે, એ જ રીતે કોઈ અધ્યાત્મના માર્ગે વિશેષ ગતિ કરનાર પાસેથી નિરાકરણ પામવા કોશિશ કરે છે, તો કોઈ આ માર્ગના અનુભવીને મળવા જાય છે, તો કોઈ માર્ગપથપ્રદર્શક ગુરુ કે સંત પાસે જાય છે. જેમ જીવનના પ્રશ્નો માનવીના મન પર સવાર થઇ જાય છે, એ જ રીતે અધ્યાત્મ જગતમાં ઊઠેલો સવાલ પણ સાધકના ચિત્ત પર સતત ઘૂમતો રહે છે. જીવનમાં જેમ એક પ્રકારની બેચેનીનો અનુભવ થાય, તે જ રીતે અધ્યાત્મમાં પણ આવી એકધારી અકળામણનો અનુભવ થતો હોય છે. આવે સમયે અધ્યાત્મની દુનિયાના કેટલાક કૂટ પ્રશ્નો વિશે અધ્યાત્મપુરુષોની વિચારધારાને પામવાનો પ્રયાસ કરીએ અને અધ્યાત્મના પ્રત્યેક માર્ગદર્શકે કહેલી કેટલીક વિલક્ષણ બાબતો વિશે ચિંતન કરીએ.
અધ્યાત્મના ક્ષેત્રે આપણો પહેલો મૂકામ છે સાચા ગુરુની ખોજ. આ ગુરુ કે સદ્ગુરુની ખોજ માટે વ્યક્તિ જીવનભર મથામણ કરતી રહે છે. એ કોઈ માર્ગદર્શકને ચાહે છે અને એની પાસેથી માર્ગ પામીને એ પોતાનું જીવન એ મુજબ ઢાળવાનો પ્રયાસ કરે છે. સમય જતાં એનું સઘળું ગુરુને સમર્પિત કરે છે. જીવનનાં મિત્રો બદલાતા રહે. અભ્યાસકાળમાં જુદા જુદા શિક્ષકો ભણાવવા આવે. સહાધ્યાયીઓ બદલાતા જાય. આપણી આસપાસની દુનિયા બદલાતી રહે, આમ સઘળું બદલાતું હોય છે. પરિવર્તન પામતું હોય છે. કેટલીક વ્યક્તિઓ ગુરુને પણ બદલતી હોય છે. પ્રારંભમાં એમને એક ગુરુનું આકર્ષણ હોય, પણ પછી બીજા કોઈ ગુરુનો પ્રભાવ વધતા એના તરફ દોડી જતા હોય છે. આમાં આંતરિક પ્રગતિની સાધકની આકાંક્ષા હોતી નથી, પરંતુ ગુરુના પ્રભાવ હેઠળ આવીને એ એવો સાધકસ્વભાવ ખોઈ બેસે છે.
એક સમયે આપણે ત્યાં આચાર્ય રજનીશજી તરફ દોટ મૂકનારા કેટલા બધા માણસો હતા. આમાં સમય જતાં એવું પણ બને છે કે શિષ્યો ગુરુ પાસેથી જ્ઞાાન કે ઉપદેશ લેવાને બદલે એમના પ્રભાવના પ્રકાશમાં મહાલવાની મજા માણતા રહે છે. આપણો સમાજ પણ એવો છે કે 'જેને ગુરુ કરવા બહુ ગમે છે.' એને દોડી દોડીને ક્યાંકને ક્યાંક કોઇકની કંઠી બાંધવી અતિ પસંદ છે અને પછી એ ગુરુ ઢોંગી કે કામી હોય તેવું જાણવા મળતાં જ તે એમના પ્રત્યેની શ્રદ્ધાને રાતોરાત બદલી નાખે છે. આપણા દેશમાં તો આવા ઘણા બનાવો બનતા હોય છે, જે આપણે સારી પેઠે જાણીએ છીએ. આવે સમયે પૂર્ણબ્રહ્મનારાયણ એવા શ્રી આનંદમયીમા તો કહે છે કે ગુરુ સાધકની શોધમાંથી સાંપડતા નથી. હકીકતમાં સાધક પોતાના હૃદયના એક અભાવની પૂર્તિ માટે પ્રયત્નશીલ હો યછે. એના હૃદયમાં એક એવી ઉત્કંઠા જાગ્રત થાય કે મને ક્યારે ગુરુપ્રાપ્તિ થશે ? આવી વ્યાકુળતા જ્યારે જાગે અને આવા અભાવનો અહેસાસ થાય ત્યારે માનવું કે હવે ગુરુ મળવામાં ઝાઝો વિલંબ થશે નહીં.
પરંતુ આ ગુરુ છે ક્યાં ? આપણું હૃદય એવું જ કલુષિત રહે, મનના ભાવો એવા જ વિકારી રહે. જીવનની અંધ આસક્તિઓ એમને એમ મનમાં પડી રહે અને પછી આપણે બહાર કોઇને ગુરુ બનાવીને એની આજ્ઞાામાં રહેવાનો દેખાવ કરતા હોઈએ, તો એના જેવો બીજો કોઈ દંભ કે આડંબર નથી. વળી માત્ર બહાર જ ગુરુ હોય છે તેવું નથી. શ્રી મા આનંદમયીના કહેવા પ્રમાણે તો આપણી ભીતરમાં પણ ગુરુ વસેલો છે. અને એ હકીકત છે કે ઘણીવાર બાહ્ય ગુરુની આરાધનામાં આપણે ભીતરના ગુરુની અવગણના કરીએ છીએ.
જ્યારે મા આનંદમયી તો કહે છે કે 'અંદર, બહાર ગુરુ એક જ છે અંતરના જન્મજન્માંતરના અજ્ઞાાનરૂપી અંધકારને ગુરુ હટાવે છે. ભગવાન અંતર્યામી ગુરુરૂપથી અંધકારનો નાશ કરે છે, તો શું ગુરુ અંદર નથી ? તમે તો શાસ્ત્ર ભણો છો, ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને ભગવાને પરિક્ષિતની રક્ષા કેવી રીતે કરી ? આનાથી સમજવું જોઇએ કે તેઓ અંદર છે. તેઓ અંદર પણ છે અને બહાર પણ...'
આમ ભગવાન જ ગુરુ રૂપે આવીને સાધકને મુક્ત કરે છે. આને માટે શિષ્યમાં સાચા અર્થમાં વ્યાકુળતા હોવી જોઇએ. વ્યક્તિને 'ભગવત્ દ્રષ્ટિ' પ્રાપ્ત થાય છે, તો પછી અજ્ઞાાનનો અંધકાર ઓગળી જાય છે અને આ રીતે એક માત્ર ગુરુદેવ જ શિષ્યના અંધકારને દૂર કરી શકે છે અને એને બંધનમુક્ત બનાવી શકે છે. એ સાચું છે કે સાચા તત્ત્વજ્ઞા શિષ્યની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ હોય છે.
રામભક્ત સ્વામી રામદાસ ગુરુ વિશે એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે અને એમનો એ વિચાર આપણે માટે વિશેષ મહત્ત્વનો બની રહે છે કે ૧૮૮૪ની દસમી એપ્રિલે અર્થાત્ ચૈત્ર સુદ પૂનમને હનુમાનજયંતિના શુભ દિને આપરમ રામભક્તનો જન્મ થયો હતો. વળી એમના જીવનમાં બીજી ઘટના એ બની કે તેઓ સ્કૂલમાં હતા, ત્યારે ભજવાયેલા છત્રપતિ શિવાજી નાટકમાં એમણે સમર્થ સ્વામી રામદાસની ભૂમિકા કરી હતી. એક ત્રીજો વિરલ યોગ પણ એમના જીવનમાં જોવા મળ્યો છે કે એમણે એક કાયમી આનંદઆશ્રમ સ્થાપ્યો હતો. આ આનંદઆશ્રમનું સ્થાન પણ મોટા સંકેતરૂપ છે. એમ કહે છે કે જ્યારે સંજીવની ઔષધિ લેવા માટે દ્રોણગિરિ ઉપાડીને રામભક્ત હનુમાનજી લંકા તરફ જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેઓ થોડો સમય વિશ્રામ કરવા રોકાયા હતા અને એ વિશ્રામસ્થળે દ્રોણગિરિ પર્વતનો ેએક ટુકડો રહી ગયો હતો. જે એક સમયે મંજપટ્ટી ટેકરી તરીકે ઓળખાતો હતો. આજે અહીં એ રામનગરમાં રામભક્ત સ્વામી રામદાસનો આશ્રમ જોવા મળે છે.
તેઓ કોઇને વિધિવત્ દીક્ષા આપતા નહોતા. એમણે સ્વયં પણ કોઈ ગુરુ પાસેથી દિક્ષા લીધી નહોતી, આમ છતાં સંન્યાસી થવાની યોગ્યતા ધરાવનારને જો સંન્યાસ લેવાની ભાવના જાગે, તો તેઓ તે માટેની સંમતિ આપતા હતા. તેમજ સંન્યાસી તરીકેનું નામ અને ગેરુઆ વસ્ત્રો આપતાં હતાં. આમ એમણે સ્વયં સંન્યાસ લીધો
નથી અને રામનામન જપ દ્વારા જીવન વ્યતિત કર્યું હતું. તથા સંપૂર્ણ જાત ઇશ્વરને સોંપી દીધી હતી. તેઓનો ગુરુતત્ત્વ વિશેનો વિચાર જાણવા યોગ્ય છે. 'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે દૂર કરનાર. ગુરુ એ જીવનનો અંધકાર દૂર કરીને પ્રકાશ આપનારો છે. એ સાધકને જાગ્રત કરે છે અને જીવનમાં કપરા પ્રસંગોએ એને બચાવે છે પણ ખરો.
રામભક્ત સ્વામી રામદાસ તો પહેલી વાત તો ગુરુ કેવો હોવો જોઇએ એ કરે છે.
તેઓ કહે છે કે 'અજ્ઞાાન દશામાં તમે ઇશ્વર વિશે કાંઈ પણ જાણતા હોતા નથી એટલે તમારું હૃદય અંધકારથી ભરેલું છે. આ સ્થિતિમાં તમે ઇશ્વરને માનતા નથી. તેમના વિશે તમને જિજ્ઞાાસા પણ રહેતી નથી. પરંતુ ગુરુ તમારામાં ઈશ્વર વિશેની શ્રધ્ધા જગાડે છે અને તમે એક દિવસ ઇશ્વરને મેળવી શકો. તે માટે તમારા માર્ગદર્શક બને છે. આ રીતે તમારામાં ઈશ્વરની અનુભૂતિ જગાડી તમને તેની પાસે લઇ જવા એ ગુરુનું કામ છે.'
ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકારનું સામર્થ્ય હોવું જરૂરી છે. સ્વામી રામદાસજીના મતે ગુરુ એ આધ્યાત્મિક ભોમિયો છે અને એ ભોમિયા પાસે સાચા રસ્તાની સઘળી માહિતી હોવી જોઇએ. આને માટેની એમની શરત ઘણી આકરી છે એ એ છે કે ગુરુ એવો હોવો જોઇએ કે જેને સ્વયં ઇશ્વર સાક્ષાત્કાર થયો હોય. જો એ સાચો ભોમિયો ન હોય તો તમે ભૂલા પડશો. આપણી આસપાસના નૈસર્ગિક જગત વિશે તથા કલા અને વિજ્ઞાાનના વિષયો વિશે તમારે જેમ શિક્ષકની જરૂર પડે છે. જેમ શિક્ષક એના વિષયમાં પારંગત હોય, તે જ રીતે આ આધ્યાત્મિક જગતનો ભોમિયો પણ પારંગત હોવો જોઇએ. અને જો એ ભોમિયો એમાં પારંગત હોય તો સાધકે એની જાતને નિ:સંકોચ સોંપી દેવી જોઇએ.